જયકૃષ્ણન માસ્ટરનો રહસ્યમય કેસ અને કન્નુરની હત્યારી ટોળકી

કેરળના કન્નુર જિલ્લામાં પનુર નજીક કૂથુપારમ્બુ ખાતે મોકેરી ઈસ્ટ યુપી સ્કૂલમાં કે ટી જયકૃષ્ણન શિક્ષક હતા. તેઓ કેરળ રાજ્યના ભારતીય જનતા યુવા મોરચાના ઉપપ્રમુખ હતા. તેમની હત્યા કન્નુરમાં ડાબેરી પક્ષના નેતાઓ, અપરાધીઓ તેમજ પોલીસ વચ્ચેની સાંઠગાઠનું જીવતુંજાગતું ઉદાહરણ છે.

એક ડિસેમ્બર, 1999ના કમનસીબ દિવસે સવારે 10.35 કલાકે જયકૃષ્ણન માસ્ટર છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા હતા એ જ સમયે ક્લાસરૂમની બહાર તહેનાત તેમના અંગરક્ષકો (જેમને સામ્યવાદી અપરાધીઓ દ્વારા મળતી ધમકીને કારણે કેરળની રાજ્ય સરકાર દ્વારા પૂરા પાડવામાં આવ્યા હતા) તે એકાએક ત્યાંથી ગાયબ થઈ ગયા.

તેની થોડી મિનિટમાં જ સીપીઆઈ (એમ)ના સાત ગુંડા ક્લાસરૂમમાં ધસી આવ્યા. તેમના હાથમાં તલવારો અને મોટા છરા હતા. તેઓ સીધા જયકૃષ્ણન માસ્ટર તરફ ધસી ગયા અને ઘાતક શસ્ત્રોથી તેમના ઉપર તૂટી પડ્યા. જયકૃષ્ણન માસ્ટર નીચે પડી ગયા અને હુમલાખોરોએ તેમના ઉપર તલવાર અને છરાથી ઘા કરવાનું ચાલુ રાખ્યું. એ લોકોએ જયકૃષ્ણનના આખા શરીર ઉપર 48 ઘા માર્યા અને માસ્ટર બ્લકબોર્ડની આગળ જ ફસડાઈ પડ્યા. તલવારો અને છરા ઉછળતા હતા તેને કારણે લોહીના ડાઘ આજુબાજુની દીવાલ અને છત સુધી ઉડ્યા.

આ બધું બન્યું ત્યારે ભણવા આવેલા બાળકો ત્યાં હાજર હતા જેમની નજર સામે જ આ ઘાતક હિંસાનો ખેલ ખેલાયો.

શિક્ષક મૃત્યુ પામ્યા છે તેની ખાતરી કર્યા પછી સીપીએમની આ હિંસક ટોળકીના એક સભ્યે ચૉક હાથમાં લીધો અને બ્લેકબોર્ડ ઉપર લખ્યું, “આ ઘટનાને નજરે જોનાર કોઈપણ સાક્ષી બનશે કે પછી પુરાવો આપવાનો પ્રયાસ કરશે તો તેમને પણ આ રીતે મારી નાખવામાં આવશે.”

ત્યારપછી આ ગુંડા એ સ્થળેથી સરઘસ આકારે નીકળ્યા અને લોહીથી ખરડાયેલી તલવારો દર્શાવતા રસ્તા ઉપર ચાલવા લાગ્યા. આસપાસના લોકો અને પોલીસ ચૂપચાપ બધું જોતી રહી.

આ ઘાતકી કૃત્યને નજરે જોનાર બાળકો (જેમની સરેરાશ ઉંમર 11 વર્ષ હતી) એ હદે આઘાતમાં સરી પડ્યા હતા કે તેમને સામાન્ય સ્થિતિમાં લાવવા વર્ષો સુધી તેમનું કાઉન્સેલિંગ કરવું પડ્યું હતું.

Jaykrishnan Master

આ પહેલાં 1996માં ભાજપના કન્નુર જિલ્લાના મંત્રી પન્નીયાન ચંદ્રનની તેમનાં પત્નીની નજર સામે જ સીપીઆઈ (એમ)ના ગુંડાઓએ હત્યા કરી દીધી હતી. ચંદ્રનની આ હત્યાથી ભાજપને ઘણો મોટો ફટકો પડ્યો હતો. પરંતુ જયકૃષ્ણન માસ્ટરે જવાબદારી ઉપાડી લીધી અને પક્ષના પૂર્ણ સમયના 14 પ્રતિબદ્ધ કાર્યકરોની સાથે કન્નુરમાં સંગઠનનું નેતૃત્વ સંભાળ્યું. જયકૃષ્ણનની પ્રતિબદ્ધતા અને તે સાથે લોકોના વધી રહેલા ટેકાને કારણે સીપીએમની બેચેની વધી ગઈ અને જયકૃષ્ણનની હત્યા કરવા ઉચ્ચસ્તરે નિર્ણય લીધો.

રાજકીય પક્ષનું હત્યારુ તંત્ર

જયકૃષ્ણન માસ્ટરની હત્યા પછી, સીપીએમના તંત્રે આરોપીઓને બચાવવા માટે તત્કાળ પગલાં લીધાં. તેમણે મોંઘામાં મોંઘા વકીલો રોક્યા અને એક સિવાયના તમામ હત્યારા છૂટી જાય એવી વ્યવસ્થા કરી દીધી. ત્યારપછી એક આઘાતજનક ઘટનાક્રમમાં, મુક્ત થયેલા તમામ હત્યારાઓને સરઘસ આકારે એ જ મોકેરી સ્કૂલ ખાતે લઈ જવામાં આવ્યા જ્યાં એ લોકોએ જયકૃષ્ણન માસ્ટરની હત્યા કરી હતી. સ્કૂલમાં એ જ ક્લાસરૂમની બહાર મંચ ઊભો કરવામાં આવ્યો અને હત્યારાઓનું લાલ વસ્ત્રો ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું. આ બધું સીપીએમની રાજ્ય કક્ષાની નેતાગીરી દ્વારા કરવામાં આવ્યું અને આખો કાર્યક્રમ ટીવી ઉપર લાઈવ પ્રસારિત કરવામાં આવ્યો. ઈન્કલાબના સૂત્રોચ્ચાર વચ્ચે હત્યારાઓનું સન્માન થઈ રહ્યું હતું એ બધું અમે કેરળવાસીઓએ ભારે આઘાત વચ્ચે ટીવી ઉપર જોયું.

જયકૃષ્ણન માસ્ટરની હત્યા બદલ જે એકમાત્ર વ્યક્તિને કસૂરવાર ઠેરવવામાં આવ્યો હતો તેની જેલની સજા પૂરી થઈ પછી જે શિક્ષકની તેણે હત્યા કરી હતી એ જ મોકેરી ઈસ્ટ યુપી સ્કૂલના પેરેન્ટ-ટીચર એસોસિયેશનનો તેને પ્રમુખ બનાવી દેવામાં આવ્યો..!

અને એ સાથે સીપીએમની જાણે સંપૂર્ણ જીત થઈ ગઈ હતી.

હત્યારી ટોળકી અને ડમી (નકલી લોકો)નો ખેલ

કન્નુરનો કિસ્સો વાર્તા કરતાં પણ વિચિત્ર છે અને ત્યાં જૂઠના અનેક પડની નીચે સત્ય છૂપાઈ જાય છે. જયકૃષ્ણન માસ્ટરના ખરા હત્યારા વિશે છેક 2012માં (જ્યારે કેરળમાં કોંગ્રેસનું શાસન હતું) સૌને જાણ થઈ, કેમકે ત્યારે એક માર્ક્સવાદી અસંતુષ્ટ ટી પી ચંદ્રશેખરનની હત્યાના આરોપીઓ પકડાયા હતા. એ સમયે સૌપ્રથમ વખત સીપીએમની હત્યારી ટોળકીના સભ્યો પોલીસ કસ્ટડીમાં હતા. સઘન પૂછપરછ દરમિયાન હત્યારી ટોળકીનો એક સભ્ય ટી કે રાજીશ ભાંગી પડ્યો અને તેણે કબૂલાત કરી લીધી કે તેણે તથા ટોળકીના અન્ય સભ્યોએ 1999માં જયકૃષ્ણન માસ્ટરની હત્યા કરી હતી. દેખીતી રીતે, હત્યા સંદર્ભે અગાઉ પોલીસ દ્વારા જે લોકો સામે આરોપનામું દાખલ થયું હતું અને અદાલતો દ્વારા છોડી મૂકવામાં આવ્યા હતા એ બધા ડમી (નકલી લોકો) હતા જેમને સીપીએમે જ આરોપી તરીકે પોલીસ પાસે મોકલી દીધા હતા. સીપીએમ દ્વારા આવા ડમી લોકોનો ઉપયોગ કેરળમાં અને તેમાંય ખાસ કરીને કન્નુરમાં અત્યંત વ્યાપક છે.

આવી પ્રત્યેક રાજકીય હત્યા પછી ખરા અપરાધી હત્યારા અદૃશ્ય થઈ જાય છે અને પક્ષ દ્વારા તેના પોતાના કેટલાક કાર્યકરોની પોલીસ સમક્ષ ‘શરણાગતિ’ કરાવી દેવામાં આવે છે. પક્ષના આવા સભ્યોને તત્કાળ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરીને રિમાન્ડ મેળવવામાં આવે છે. એ દરમિયાન કોઈ પૂછપરછ થતી નથી. પોલીસને પણ આવી વ્યવસ્થા અનુકૂળ આવે છે અને સત્તાધારી સીપીએમ એવી છાપ ઉપસાવે છે કે કાયદો અને વ્યવસ્થાનું તંત્ર સરસ કામ કરે છે.

પક્ષ તેના ડમી માણસોને તેમજ તેમના પરિવારોને ખાનગીમાં જંગી નાણાકીય સહાય કરી દે છે. ત્રણ મહિના પછી આ બધા ડમીને જામીન મળી જાય છે કેમકે સરકારી વકીલ જામીન અરજીનો સાવ પાંગળો વિરોધ કરતા હોય છે. કેસ અદાલતમાં પહોંચે ત્યારે આ બધા ડમી આસાનીથી છૂટી જાય છે કેમકે ત્યાં સુધીમાં તેઓ પોતે અપરાધના સમયે ક્યાંક અન્યત્ર હતા તેવું સાબિત કરવામાં સફળ થઈ જાય છે. અને આ દરમિયાન પક્ષની હત્યારી ટોળકી તેનાં બીજા ‘ઓપરેશન’ હાથ ધરવા તૈયારી કરી રહી હોય છે.

 (લેખનો ગુજરાતી અનુવાદઃ અલકેશ પટેલ દ્વારા)


શું આ લેખ તમને ગમ્યો? અમે બિન નફાકારક સંસ્થા છીએ. ઉદારપણે દાન કરીને અમારા પત્રકારત્વ માટે ચૂકવણી કરવામાં મદદ કરો.

About the Author

Jayakrishnan
I am haunted by the memories of a thousand deaths.