મ્યાનમારમાં રોહિંગ્યા જેહાદીઓની હિંસાનો ભોગ બનેલા 45 હિન્દુઓની કબર મળી આવી

સપ્ટેમ્બરના મધ્યમાં હિન્દુપોસ્ટે અહેવાલ આપ્યો હતો કે મ્યાનમારના રખાઈન રાજ્યમાં ચાલી રહેલી હિંસા દરમિયાન રોહિંગ્યા મુસ્લિમ અંતિમવાદીઓએ આશરે 100 હિન્દુઓની હત્યા કરી છે. હવે બીબીસી, એએફપી જેવા મુખ્ય ધારાના મીડિયા દ્વારા સત્તાવાર અહેવાલ મળી રહ્યા છે કે રોહિંગ્યા મુસ્લિમોની અંદર રહેલા જેહાદી તત્વો હિન્દુ લઘુમતી ઉપર કાતીલ હુમલા કરીને એ વિસ્તારમાંથી સમગ્ર હિન્દુ સમુદાયને ખતમ કરવા પ્રયાસ થઈ રહ્યા છે.

મ્યાનમારના સંઘર્ષમાં અત્યાર સુધી ઢંકાયેલી રહેલી મોટાપાયે હિન્દુઓની હત્યા અંગેની હકીકત બાબતે મુખ્ય ધારાના માધ્યમો હવે અહેવાલ આપવા લાગ્યા હોવા છતાં સલાહભર્યું એ છે કે સૌએ મ્યાનમારના સ્થાનિક માધ્યમોના અહેવાલો પર વિશ્વાસ રાખવો જોઈએ. રોહિંગ્યા મુસ્લિમ ત્રાસવાદીઓ દ્વારા હત્યા કરાયેલા 45 હિન્દુઓની મળી આવેલી સામૂહિક કબર અંગે ઈરાવેન્ડીએ આપેલો અહેવાલ આ પ્રમાણે છે –

“રખાઈન રાજ્યમાં યે બો ક્યા ગામની ઉત્તરીય મઉન્ગડો ટાઉનશિપ નજીક છ બાળકો સહિત 45 મૃત હિન્દુઓના શબ સલામતી દળોએ શોધી કાઢ્યા છે, તેમ સરકારની માહિતી સમિતિ તેમજ હિન્દુ સમુદાયના નેતા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

હિન્દુ સમુદાયના નેતા યુ નિ માલ દ્વારા આપવામાં આવેલી માહિતીને આધારે સરકારી નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે અરાકન રોહિંગ્યા સાલ્વેશન આર્મી (એઆરએસએસએ) દ્વારા 25 ઑગસ્ટે ખા મઉન્ગ સેક ક્ષેત્રના હિન્દુ ગામોમાંથી 100 પુરુષો અને સ્ત્રીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમાંના મોટાભાગનાની હત્યા કરવામાં આવી હતી.

સમુદાયના નેતા યુ નિ માલ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે મૃત્યુ પામેલા 45 પૈકી કેટલાકનો શિરચ્છેદ કરવામાં આવ્યો હતો જ્યારે કેટલાકનાં ગળાં કાપી નાખવામાં આવ્યાં હતાં. જે મૃતદેહ મળી આવ્યા તેમાં 20 મહિલા, 19 પુરુષ અને છ બાળકોનો સમાવેશ થતો હતો. પહેલાં 28 અને પછી 17 મૃતદેહની સામૂહિક કબરો મળી આવી હતી.

Mass Graves of Hindus Murdered by ARSA

યુ નિ માલે જણાવ્યું કે હિન્દુ સમુદાયે આ તમામ મૃત્યુ અંગે મૌખિક રીતે તેમજ સત્તાવાર રીતે સ્થાનિક સત્તાવાળાઓ તેમજ અરાકાન નેશનલ પાર્ટીના સાંસદોને રજૂઆત કરી હતી, પરંતુ સલામતીના કારણોસર તપાસમાં વિલંબ થયો.

સંયુક્ત રાષ્ટ્ર (યુએન)નો અંદાજ છે કે 25 ઑગસ્ટે મુસ્લિમ અંતિમવાદીઓ દ્વારા સરહદ પોલીસની છાવણીઓ પર હુમલા કરવામાં આવ્યા અને ત્યારબાદ મ્યાનમારના લશ્કર દ્વારા જે ઑપરેશન હાથ ધરવામાં આવ્યું તેને પગલે આશરે 500 હિન્દુઓ બાંગ્લાદેશ ભાગી ગયા હતા. આ નિરાશ્રિતો બાંગ્લાદેશ સરહદ નજીક કામચલાઉ છાવણીઓમાં રોકાયા છે જ્યાં યુએનના અંદાજ મુજબ 4,20,000 રોહિંગ્યા મુસ્લિમો છે.

આ હુમલા બદલ હિન્દુ સમુદાયને ન્યાય મળવો જોઈએ તેવી માગણી યુ નિ માલ દ્વારા કરવામાં આવી હતી.

અરાકાન રોહિંગ્યા સાલ્વેશન આર્મી દ્વારા સરહદ પોલીસ છાવણીઓ પર હુમલા થયા ત્યારબાદ લશ્કરી ઑપરેશન શરૂ તે સાથે રખાઈન રાજ્યના મઉન્ગડોમાંથી લગભગ 30,000 હિન્દુ તેમજ બૌદ્ધ નાગરિકો અન્યત્ર ચાલ્યા ગયા હતા.

ઈરાવડીના પત્રકારે સપ્ટેમ્બરના પ્રારંભ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી ત્યારે હિન્દુઓએ પોતાની લાગણી વ્યક્ત કરી હતી કે સરકાર જો તેમને ફરીથી એ વિસ્તારમાં સ્થાપિત કરવાનો પ્રયાસ કરશે તો તેમના માટે મઉન્ગડોમાં મુસ્લિમોની સાથે રહેવાનું શક્ય નથી.

“હવે અમે તેમની સાથે રહી શકીએ તેમ નથી,” તેમ યુ નિ માલે કહ્યું હતું.”

મ્યાનમારની આ ઘટનાઓ એ હદે વ્યાપક હશે કે સામાન્ય રીતે હિન્દુ-વિરોધી અને ભારત વિરોધી ગણાતી બીબીસીએ પણ તેની નોંધ લેવી પડી અને આ અહેવાલ તૈયાર કરવો પડ્યો (ખાસ કરીને એ નોંધપાત્રછે કે રોહિંગ્યા જિહાદીઓના હુમલાથી બચીને છાવણીઓમાં રહેતા હિન્દુઓને મળીને અહેવાલ તૈયાર થયો) –

પરંતુ આપણે ઈનકાર કરવા એ હદે ટેવાયેલા છીએ કે, આ મૃતદેહો મળી આવ્યા પછી તેમજ એઆરએસએ જિહાદીની હિંસામાંથી પોતે કેવી રીતે બચ્યા એ વાત હિન્દુઓ પોતે કહેતા હોવા છતાં અને કેટલાક મુસ્લિમો પોતે જિહાદીઓની વિરુદ્ધ થઈ ગયા હોવા છતાં, ભારતમાં ઘણા લોકો હજુ પણ આ ઘટનાઓ સ્વીકારવા તૈયાર નથી –

એથી આગળ વધીને હિન્દુઓ પ્રત્યે ધિક્કાર રાખનાર ડાબેરીવાદી મીડિયા ધ વાયર તો કંઈક જૂદો જ અહેવાલ પ્રસ્તુત કરે છે. તેના મતે મ્યાનમારના હિન્દુઓ પણ રોહિંગ્યા મુસ્લિમોની જેમ બાંગ્લાદેશમાં ભાગી જઈ રહ્યા છે. ટૂંકમાં આવા અહેવાલોનો અર્થ એવો નીકળતો હોય છે કે હિન્દુઓ અને મુસ્લિમો બંને બૌદ્ધોની બહુમતી ધરાવતા મ્યાનમારમાં હિંસાનો ભોગ બન્યા છે.

આ સંદર્ભમાં હકીકતો ફરી ચકાસવી જોઈએ. એ સાચું કે આશરે 500 હિન્દુઓ મ્યાનમારથી બાંગ્લાદેશ ભાગી ગયા છે. પરંતુ સાથે એ વાત પણ એટલી જ સાચી છે કે આશરે 30,000 હિન્દુઓ, બૌદ્ધો તેમજ અન્ય વંશીય આદિજાતીઓ મ્યાનમારની અંદર જ, ખાસ કરીને રખાઈનની રાજધાની સિટ્ટવેમાં ભાગી ગયા છે. હિન્દુપોસ્ટે મ્યાનમારમાં સ્થાનિક હિન્દુ નેતાઓ તેમજ પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી અને બધાએ કહ્યું કે મ્યાનમાર સરકાર દ્વારા કરવામાં આવતી મદદથી તેઓ ખુશ છે અને તેથી વધારે અગત્યની વાત એ છે કે મ્યાનમારમાં હિન્દુઓ પ્રત્યે સન્માન છે અને ત્યાંની બૌદ્ધ બહુમતી સાથે હિન્દુઓ ખૂબ સરસ રીતે રહે છે.

તો પછી પ્રશ્ન એ છે કે એઆરએસએના જિહાદીઓએ હુમલા કર્યા ત્યારે કેટલાક હિન્દુઓએ શા માટે બાંગ્લાદેશ જવાનું પસંદ કર્યું? તેના સંભવિત કારણો આ પ્રમાણે છે –

  • મોટાભાગની હિંસા રખાઈન રાજ્યના ઉત્તરના ભાગમાં થઈ છે જે બાંગ્લાદેશ સરહદથી નજીક છે. હિંસા ફાટી નીકળે ત્યારે સ્વાભાવિક રીતે લોકો નજીકના સલામત સ્થળ તરફ ભાગતા હોય છે. આ સંજોગોમાં મ્યાનમારમાં સલામત સ્થળે પહોંચવા 200 કિ.મી. દૂર જવાને બદલે 50 કિ.મી. દૂર બાંગ્લાદેશ નજીક પડે, તેથી જ કેટલાક હિન્દુઓ બાંગ્લાદેશની દિશામાં ભાગ્યા.
  • મ્યાનમારમાં સલામત સ્થળે જવાનો અર્થ એ પણ હતો કે હિંસાગ્રસ્ત વિસ્તારોમાંથી પસાર થવું જ્યાં એઆરએસએ જિહાદીઓની સંખ્યા વધારે છે.
  • કેટલીક હિન્દુ મહિલાઓ અને બાળકોને રોહિંગ્યા મુસ્લિમ અંતિમવાદીઓ અપહરણ કરીને બાંગ્લાદેશ લઈ ગયા છે અને ત્યાં તેમનું બળજબરીપૂર્વક ઈસ્લામમાં ધર્માંતર કરાવવામાં આવ્યું છે – આ લોકોને પછીથી બાંગ્લાદેશી હિન્દુ જૂથોના પ્રયાસોથી બચાવી લેવામાં આવ્યા.

ચાલો હવે રોહિંગ્યા જિહાદીઓના હુમલાથી બચી ગયેલા હિન્દુઓ પાસેથી જ આપવીતી જાણીએઃ

બચી ગયેલા હિન્દુની આપવીતી #1

આ વિડીયોમાં એક હિન્દુ મહિલાની આપવીતી છે, જેની નજરની સામે જ તેના પતિ, નણંદ તેમજ ભત્રીજાની ત્રાસવાદીઓ દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ આ મહિલાનું બળજબરીપૂર્વક ધર્માંતર કરાવાયું હતું.

બચી ગયેલા હિન્દુની આપવીતી #2

ધ ગ્લોબલ ન્યૂ લાઈટ ઑફ મ્યાનમાર દૈનિકના એક અહેવાલનું આ ક્લિપિંગ છે જેમાં ડરી ગયેલા હિન્દુ નિરાશ્રિતોના ઈન્ટર્વ્યુ છે. તેમાંના કેટલાક એ મહિલાઓ અને બાળકોના સગાં છે જેમના પરિવારના પુરુષ સભ્યોની હત્યા કર્યા બાદ એ મહિલાઓનું અપહરણ કરી બાંગ્લાદેશ લઈ જવાઈ હતી –

બચી ગયેલા હિન્દુની આપવીતી #3

મીના કુમારી, જેમની સાથે મુન્ની (હિન્દુ પરિવારનું એક માત્ર બચી ગયેલું 8 વર્ષનું બાળક) રહે છે. તેમણે ધ ઈરાવડ્ડીને જણાવ્યું હતું કે હિંસામાં તેણે પોતાનો પુત્ર ગુમાવ્યો, પરંતુ બાંગ્લાદેશમાં તેની પુત્રવધૂ અને મુન્નીની બહેન સાથે સંપર્ક થયો.

“મારી પુત્રવધૂ ફોન ઉપર એટલી બધી રડતી હતી કે કશું ચોખ્ખું બોલી શકતી નહોતી,” તેમ મીના કુમારીએ જણાવ્યું. મીના કુમારીએ કહ્યું કે તેમની પુત્રવધૂએ ફોન પર માહિતી આપી કે અન્ય સાત મહિલાઓ સાથે તેનું પણ ધર્માંતર કરાવવામાં આવ્યું હતું, પરંતુ પોતાની કાનની સોનાની બુટ્ટીઓ એક બંદૂકધારીને આપી દીધી તેથી તેનો અને તેનાં ત્રણ બાળકોનો જીવ બચી શક્યો હતો.

બચી ગયેલા હિન્દુની આપવીતી #4

એક દુભાષિયાની મદદથી અને પોતાની ઓળખ જાહેર નહીં કરવાની શરતે બાંગ્લાદેશમાં દક્ષિણ નિહલાના એક મંદિરના અગ્રણીએ ઈરાવડ્ડી સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, મીના કુમારીની પુત્રવધૂ સહિત આઠ મહિલાઓને બાંગ્લાદેશ સરહદ પોલીસ મંદિરમાં લઈ આવી હતી.

આ અગ્રણીનો અંદાજ છે કે અંદાજે 470 હિન્દુઓ બચીને બાંગ્લાદેશમાં પહોંચ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે એઆરએસએના અંતિમવાદીઓએ મહિલાઓ પાસે બળજબરીપૂર્વક એવું બોલાવીને તેમનો વિડીયો ઉતાર્યો હતો કે તેમના ઉપર અર્કાનીસ અને મ્યાનમારાના સલામતી દળોએ હુમલા કર્યા હતા.

બચી ગયેલા હિન્દુની આપવીતી #5

આ અહેવાલ એક પત્રકારનો છે જેણે મ્યાનમારમાં રાહત છાવણીઓની મુલાકાત લઈને ત્યાંના હિન્દુ નિરાશ્રિતો સાથે વાતચીત કરી હતી –

“હું (રાહત) છાવણીઓમાં ગયો હતો અને હિન્દુઓના ઈન્ટર્વ્યુ કર્યા હતા. 25 ઑગસ્ટે હિંસા ફાટી નીકળી પછી મુસ્લિમોના ટોળા તેમને ધમકી આપતા હતા (તેમ હિન્દુઓએ કહ્યું હતું.)

મુસ્લિમોએ ધમકી આપી અને કોઈએ ગોળી છોડી જેમાં એક હિન્દુની હત્યા થઈ. એ મૃતકના માતા સાથે પણ મેં વાતચીત કરી હતી. ગોળી ક્યાંથી છોડવામાં આવી હતી એ જગ્યા પણ તેમણે મને જણાવી. પરંતુ આપણે ફિલ્મમાં જે જોઈએ છીએ તેના કરતાં અહીં અલગ સ્થિતિ હોય છે – અહીં બધા બંદૂકમાંથી ગોળીબાર કરતા નથી. કેટલાક પાસે આધુનિક શસ્ત્રો હતાં, કેટલાક પાસે બંદૂક હતી તો બીજા કેટલાકના હાથમાં તલવારો હતી. તેઓ મોટી સંખ્યામાં હતા અને નાના જૂથમાં હોય એ લોકોને ધમકાવવાનું અને તેમના પર હુમલા કરવાનું તેમના માટે સરળ હતું. એ વિસ્તારમાં હિન્દુઓ લઘુમતીમાં હતા અને તેથી તેમનો મુકાબલો કરવાની હિંમત ન કરી શક્યા. તેમની પાસે માત્ર સંઘર્ષ ટાળવાનો જ માર્ગ હતો તેથી તેઓ નાસી છૂટ્યા. પરંતુ ગામ ઘણું જ નાનું છે, માંડ ચાર કે પાંચ વોર્ડનું જ ગામ છે. આથી તેઓ અર્કાનીસ વસતી તરફ ભાગ્યા. ઘણાખરા બચી શક્યા, પરંતુ કેટલાક કમનસીબ રસ્તામાં જ માર્યા ગયા.

(છ સભ્યોના હિન્દુ પરિવાર પર હુમલો થયો તેમાંથી બચી ગયેલી એકમાત્ર મહિલા કમલાનો અનુભવ યાદ કરતાં આ પત્રકાર ઉમેરે છે..) હિન્દુ પરિવાર એ હદે ડરીર ગયેલો હતો કે તે નજીકના મકાનમાં ઘૂસી ગયો. તેમની પાછળ પડેલા ટોળામાં કેટલાક પાસે બંદૂકો હતી જેમાંથી ગોળીબાર કર્યો. કમલાને પણ છાતીમાં ગોળી વાગી હતી અને બેહોશ થઈ ગઈ હતી. બાકીના લોકોને તલવારથી મારી નાખવામાં આવ્યા. આ ઘટનાને નજરે જોનારાઓએ અમને કહ્યું કે, એ લોકો (હમલાખોરો) એવું બોલતા હતા કે, અલ્લાહ તમને બોલાવે છે તેથી તમારે જવું જ પડશે. (હુમલાખોરો) કમલાને એમ જ મૂકીને ચાલ્યા ગયા કેમકે તેમને લાગ્યું કે તે મૃત્યુ પામી છે. આપણે કહી શકીએ કે તેણે જે આપવીતી કહી તે સાચી છે.

મેં હિન્દુઓને સવાલ કર્યો અને બધાએ સર્વાનુમતે કહ્યું કે હવે તેઓ મુસ્લિમો સાથે રહી શકે તેમ નથી. તેઓ હવે મુસ્લિમો સાથે રહેવા પરત નહીં જાય એટલું જ નહીં પરંતુ તેમણે મુસ્લિમો સાથે રહેવું જોઈએ તેવું સરકારનું સૂચન સ્વીકારવા પણ તેઓ તૈયાર નથી. તેમણે સરકાર સમક્ષ અલગ વસાહતની માગણી કરી છે.”

આટલા બધા પુરાવા હોવા છતાં હજુ પણ જો કોઈને રોહિંગ્યા મુસ્લિમો તરફથી હિન્દુઓ પ્રત્યે ધિક્કારની લાગણી છે એ વિશે આશંકા હોય તો એ વ્યક્તિ કાંતો ભોળી હશે અથવા કપટપૂર્વક અજ્ઞાન વ્યક્ત કરતી હશે.

મ્યાનમારના હિન્દુઓએ જે સહન કરવું પડ્યું છે તે જોતાં ભારતે રોહિંગ્યા મુસ્લિમોને બદલે તમામ મદદ આ હિન્દુઓને મોકલવી જોઈએ. અને કોંગ્રેસ, ડાબેરીઓ તેમજ ઉદારવાદી બુદ્ધિજીવીઓની વાત માનીને હજારો રોહિંગ્યા મુસ્લિમોને આપણા દેશમાં વસાવવામાં આવશે તો એ પગલું આપણી ભાવિ પેઢીના સર્વનાશ માટેનાં બીજ વાવવા જેવું ગણાશે.


શું આ લેખ તમને ગમ્યો? અમે બિન નફાકારક સંસ્થા છીએ. ઉદારપણે દાન કરીને અમારા પત્રકારત્વ માટે ચૂકવણી કરવામાં મદદ કરો.

(લેખનો ગુજરાતી અનુવાદઃ અલકેશ પટેલ દ્વારા)

close

Namaskar!

Sign up to receive HinduPost content in your inbox

We don’t spam! Read our privacy policy for more info.