સિંદૂર ભૂંસી નાખવામાં આવ્યું, બંગડીઓ તોડી નાખવામાં આવી અને બુરખો પહેરવાની ફરજ પાડીને નમાઝ કરવા દબાણ કરાયું: રોહિંગ્યા જેહાદીઓના અત્યાચારને યાદ કરે છે બચી ગયેલા હિન્દુઓ

મ્યાનમારમાં રોહિંગ્યા જેહાદીઓએ હિન્દુઓ ઉપર કરેલા અત્યાચારની વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે. આ રોહિંગ્યા મુસ્લિમ જેહાદીઓએ 25 ઑગસ્ટે આશરે 100 હિન્દુઓનો સામૂહિક નરસંહાર કર્યો હતો અને ત્યારબાદ આઠ યુવા હિન્દુ મહિલાઓનું અપહરણ કરી બાંગ્લાદેશ લઈ ગયા હતા.

સૌપ્રથમ સોશિયલ મીડિયામાં તેમજ મ્યાનમારના માધ્યમોમાં પ્રથમ વખત અહેવાલો પ્રકાશિત થયા ત્યારથી હિન્દુપોસ્ટ છેલ્લા એક મહિનાથી આ મુદ્દે નિયમિત અહેવાલો આપે છે, પરંતુ હવે લાગે છે કે ભારતના મુખ્ય પ્રવાહના માધ્યમો જાગ્યા છે અને બાંગ્લાદેશી છાવણીઓમાં હિન્દુ નિરાશ્રિતોની પીડા વિશે અહેવાલ આપવા લાગ્યા છે.

ડેઈલી મેઈલે તેના એક અહેવાલમાં કહ્યું કે ઈન્ડિયા ટુડેના કેટલાક પત્રકારોએ જાતે બાંગ્લાદેશના કોક્ષ બજાર જિલ્લાના કોટુપાલોંગ વિસ્તારની નિરાશ્રિત છાવણીઓની મુલાકાત લીધી હતી જ્યાં મ્યાનમારથી આવેલા હિન્દુ નિરાશ્રિતો આશ્રય લઈ રહ્યા છે. (યાદ રહે, રોહિંગ્યા મુસ્લિમ નિરાશ્રિતોની હિંસાથી બચવા હિન્દુઓ અલગ છાવણીમાં ચાલ્યા ગયા હતા) –

બાંગ્લાદેશમાં રાહત છાવણીઓમાં રહેતા હિન્દુઓ એવા લોકો માટે સોફ્ટ ટાર્ગેટ બની ગયા છે જેઓ એકલ-દોકલ લોકોને ધર્માંતર કરવા માટે ફરજ પાડવા શોધે છે. આ સંજોગોમાં પોતાના ઘર અને પરિવારજનો ગુમાવી ચૂકેલી મહિલાઓ ઉપર તેમની ઓળખ, તેમનું ગૌરવ તેમજ જીવન પદ્ધતિ ગુમાવવાનું જોખમ વધી ગયું છે.

હિન્દુ મહિલાઓ ફરિયાદ કરી રહી છે કે તેમને તેમનું સિંદૂર ભૂંસી નાખવા દબાણ કરવામાં આવે છે, તેમની બંગડીઓ તોડી નાખવામાં આવે છે અને મુસ્લિમ પુરુષો સાથે લગ્ન કરવા બળજબરી કરીને ધર્માંતર કરાવવામાં આવે છે. આમાંની ઘણી મહિલાઓને તેમની હિન્દુ પરંપરાઓનો ત્યાગ કરીને દિવસમાં પાંચ વખત નમાઝ પઢવા દબાણ કરાયું હતું.

એ લેખમાં એક પૂજા મલિકની આપવીતી વર્ણવવામાં આવી છે. સૌપ્રથમ રોહિંગ્યા આતંકવાદીઓએ તેના પતિની હત્યા કરી, ત્યારબાદ પૂજાનું અપહરણ કરીને તેનું બળજબરીપૂર્વક ધર્માંતર કરીને રાબિયા નામ રાખવામાં આવ્યું અને પછી બાંગ્લાદેશ લઈ જવામાં આવી.

કોઈક કારણસર એ લેખમાં શરૂઆતમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ‘રાબિયા હિન્દુ છે જેણે આશ્રય મેળવવાની આશાએ મ્યાનમાર છોડ્યું હતું.’ પરંતુ પછી આગળ લેખમાં એ જ મહિલાની આપવીતી તેના જ શબ્દોમાં ટાંકવામાં આવી છે કે તેને કેવી રીતે બાંગ્લાદેશ લાવવામાં આવી હતી! મુખ્ય પ્રવાહના મીડિયાની કુટિલતા અહીં ખુલ્લી પડી જાય છે. લેખમાં સતત પૂજા મલિકનો રાબિયા તરીકે જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે… ત્યારે સવાલ એ થાય કે એક મહિલાનું બળજબરીપૂર્વક ઈસ્લામમાં ધર્માંતર કરવામાં આવ્યું ત્યારે શા માટે તેના મુસ્લિમ નામનું ઉચ્ચારણ કરવામાં આવે છે? શું ઈન્ડિયા ટુડેના પત્રકારોને આ મહિલાઓ જે કંઈ કહી રહી હતી તેના પર આશંકા હતી? આ ગરીબ, નિરાધાર હિન્દુઓ જે કંઈ કહી રહ્યા હતા તે સ્વીકારવાનું લિબરલ-સેક્યુલરો માટે આટલું મુશ્કેલ કેમ હોય છે?

પૂજા એ પત્રકારને કહે છે કે તેના પતિની હત્યા સૈન્ય દ્વારા નહીં પરંતુ કાળાં કપડાં પહેરેલા લોકોએ કરી હતી જેમણે તેમના મોં ઢાંકી રાખ્યા હતા અને તેઓ તેમના ધર્મના નામ સાથે હિંસા કરતા હતા. એકલી પૂજાની આ વાત નથી. અન્ય એક મહિલા પણ કહે છે કે તેના પતિને તેમજ આખા પરિવારને તેની આંખ સામે ગોળી મારી દેવામાં આવી અને તેને જીવતી રાખીને બંધક બનાવવામાં આવી.

‘તેઓ અમને જંગલમાં લઈ ગયા અને કહ્યું કે મારે નમાઝ વાંચવી પડશે અન્યથા તેઓ મને નહીં છોડે… મારું સિંદૂર ભૂંસી નાખવામાં આવ્યું અને મારી ધાર્મિક બંગડીઓ તોડી નાખવામાં આવી.’

‘મને કહેવામાં આવ્યું કે હું મારો ધર્મ બદલીશ તો જ મને જીવીત રહેવા દેવામાં આવશે. મને બુરખો પહેરવાની ફરજ પાડવામાં આવી તેમની પરંપરાઓ શીખવા માટે ત્રણ અઠવાડિયા સુધી તેમની સાથે રાખવામાં આવી.’

મને નમાઝ વાંચવા ફરજ પડાતી… મારે અલ્લાહ બોલવું પડતું, પરંતુ મારું હૃદય ભગવાન માટે ધબકતું હતું… મારા પરિવારે મને શોધવાની શરૂઆત કરી અને તેમને જાણવા મળ્યું કે હું મુસ્લિમ છાવણીમાં રહું છું.’

તેની પાસે હાલ માત્ર એક લાલ સાડી છે અને તેના ત્રણ વર્ષના પુત્રના શરીર પર એકપણ કપડું નથી.

રિકા ધાર નામની 28 વર્ષની અન્ય એક મહિલાને બળજબરીપૂર્વક સાદિયા બનાવી દેવામાં આવી. પોતાનાં ત્રણ વર્ષના બાળકને ખવડાવવા માટે ખોરાક માટે તડપતી રિકાની વાત પણ આટલી જ કરૂણ છે.

‘શુક્રવારે (25 ઑગસ્ટે) એ લોકો હિન્દુઓના ઘરોમાં ઘૂસી ગયા અને હુમલા કર્યા. સૌથી પહેલાં મોબાઈલ ફોન લઈ લીધા પછી પુરુષોને બાંધીને તેમને ઘાતકી રીતે માર્યા. મારા પતિ સોનીનું કામ કરતા હતા.’

‘એ લોકોએ મારા બધાં ઘરેણાં લઈ લીધા અને મને મારવા લાગ્યા. તમામ હિન્દુઓને અલગ કરવામાં આવ્યા અને નજીકની પહાડી ઉપર લઈ જવામાં આવ્યા. ત્યારપછી તેમને લાઈનમાં ઊભા રાખી મારી નાખવામાં આવ્યા. માત્ર આઠ મહિલાઓને તેમની સાથે રાખી… જે મોટાભાગે યુવાન અને સુંદર હતી.

‘એ મહિલાઓને કહેવામાં આવ્યું, “તમારે મુસ્લિમ બનવું પડશે અને અમારી સાથે લગ્ન કરવા પડશે”… અમારી પાસે શરણાગતિ સ્વીકારીને તેમની સાથે જવા સિવાય કોઈ વિકલ્પ નહોતો… અમને જંગલમાં લઈ જવામાં આવ્યા અને ભોજન પણ આપવામાં નહોતું આવતું જેથી અમે માનસિક રીતે પણ નબળા પડી જઈએ… ત્યારપછી અમને બાંગ્લાદેશમાં છાવણીમાં લાવવામાં આવી… મારા હિન્દુ સગા-સંબંધીઓને ખબર પડી એટલે તેઓ મને આ સ્થળે લઈ આવ્યા…’

રિકા અને પૂજા બંનેએ કહ્યું કે તેમના ઉપરાંત બીજી હજુ છ મહિલાઓ છે જે આવી જ સ્થિતિમાંથી પસાર થઈ છે. એ મહિલાઓ મ્યાનમાર કે બાંગ્લાદેશ ક્યાંય મળી ન આવી, પણ પછી કોટુપાલોંગ રોહિંગ્યા છાવણીમાં હોવાનું જણાયું જ્યાં તેમને બળજબરીપૂર્વક ધર્માંતર કરાવતા લોકોની ચાંપતી નજર હેઠળ ગોંધી રાખવામાં આવી હતી.

આ અંગે પૂછવામાં આવતા બાંગ્લાદેશ સરકારના અધિકારીઓએ જે કંઈ બની રહ્યું હતું તે બાબતે પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું. ‘અમારી પાસે આવી કોઈ માહિતી નથી,’ તેમ કોક્ષ બજારના નાયબ કમિશનર મોહમ્મદ અલી હુસેને જણાવ્યું હતું.

રખાઈન રાજ્યના જે હિન્દુ પુરુષો આ મહિલાઓની શોધમાં ગયા હતા તેમના ઉપર પણ અત્યાચાર થયો હોવાનું ધ્યાનમાં આવ્યું છે. વિજય રામ પાલે કહ્યું કે પોતે શોધખોળ કરી રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો થયો હતો. પૂજા અને રિકા હવે થોડો રાહતનો શ્વાસ લઈ રહી છે કેમકે તેમને તેમના મુસ્લિમ અપહરણકારો પાસેથી છોડાવી લેવામાં આવી છે અને છેલ્લા ઘણા દિવસથી હિન્દુ છાવણીમાં રહે છે.

ઘટનાઓ માટે રોહિંગ્યા મુસ્લિમોને નહીં પણ બૌદ્ધધર્મીઓને દોષિત ઠેરવવા હિન્દુઓને જણાવવામાં આવ્યું

જે રોહિંગ્યા મુસ્લિમ જેહાદીઓએ પરિવારના સભ્યોની હત્યા કરીને જે હિન્દુ મહિલાઓનું અપહરણ કર્યું હતું તેઓ માત્ર એટલેથી અટક્યા નહીં – એ લોકો જાણે છે કે વિશ્વમાં પીઆરની રમત કેવી રીતે રમાય છે અને પોતે દમનનો ભોગ બનેલો સમુદાય છે એવું દર્શાવવા માટે શું કરવું જરૂરી છે.

જેહાદી હિંસાનો ભોગ બનીને બચવા માટે બાંગ્લાદેશ નાસી છૂટ્યા હતા એ હિન્દુઓને એવું કહેવા માટે આદેશ કરવામાં આવ્યો કે, તેમની વિરુદ્ધનો સંહાર બૌદ્ધધર્મીઓએ કર્યો હતો, તેમ રોઈટર્સના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

ત્રણ હિન્દુ મહિલાઓએ રોઈટર્સને જણાવ્યું કે, જે મુસ્લિમોએ તેમનું અપહરણ કરીને બાંગ્લાદેશ લાવી દબાણ હેઠળ ધર્માંતર કરાવ્યું હતું તેમણે તેમને (હિન્દુ મહિલાઓને) આદેશ કર્યો હતો કે તેમણે એવું જાહેર કરવાનું છે કે હત્યાકાંડ બૌદ્ધધર્મીઓએ કર્યો હતો. આમછતાં, આશ્ચર્યજનક રીતે રોઈટર્સના આ લેખમાં સમગ્ર ઘટનાક્રમ અંગે એવી વિચિત્ર ટિપ્પણી કરવામાં આવી છે કે – ‘રખાઈન રાજ્યમાં મ્યાનમારનો સાવ લઘુમતી હિન્દુ સમુદાય શા માટે હિંસામાં લપેટાયો એ સ્પષ્ટ નથી’, ‘અલગ અલગ લોકોએ અલગ અલગ સમયે અલગ અલગ આપવીતી જણાવી છે’, ‘આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે’ …એ બાબત અત્યંત આશ્ચર્યજનક છે કે વૈશ્વિક લિબરલ મીડિયાનું તંત્ર વારંવાર મુસ્લિમ અંતિમવાદીઓના હાથે અત્યાચારનો ભોગ બનતા હિન્દુઓ અંગેના અહેવાલોને ઢાંકી દે છે.

(લેખનો ગુજરાતી અનુવાદઃ અલકેશ પટેલ દ્વારા) Read English version here 


શું આ લેખ તમને ગમ્યો? અમે બિન નફાકારક સંસ્થા છીએ. ઉદારપણે દાન કરીને અમારા પત્રકારત્વ માટે ચૂકવણી કરવામાં મદદ કરો.