શું આપણાં બાળકો આપણી પરંપરા મુજબ ઉત્સવોની ઉજવણી કરે તે અપરાધ ગણાય?

દિવાળીના બે દિવસ પછી, એક શુક્રવારે સવારે સર્વાઈટ મેટ્રિક્યુલેશન સ્કૂલનાં બાળકો દિવાળીના દિવસે પોતે શું પહેર્યું હતું, શું ખાધું હતું, કેવા ફટાકડા ફોડ્યા હતા અને કેવા પ્રકારના દીવા પ્રગટાવ્યા હતા… વગેરે વાતચીતમાં મગ્ન હતા. વાસ્તવમાં તમામ સ્કૂલનાં બાળકો આવી વાતચીતમાં ગુંથાયેલાં હતાં કેમકે તહેવાર જ એવો હતો – દિવાળી..! પરંતુ આ નિર્દોષ બાળકો એ નહોતા જાણતાં કે દિવાળીમાં પોતે માણેલો આનંદ એક-બીજા સાથે શેર કરવાનું તેમને ભારે પડશે…આવી વાતો માટે તેમને સજા થઈ શકશે..!

સવારે સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ એકત્ર થવાના સમયે બાળકોને પૂછવામાં આવ્યું કે દિવાળીમાં તેમણે ફટાકડા ફોડ્યા હતા કે કેમ..! અને કહેવામાં આવ્યું કે જેમણે ફટાકડા ન ફોડ્યા હોય એ હાથ ઊંચો કરે. માત્ર સાત વિદ્યાર્થીઓએ હાથ ઊંચા કર્યા. એ સાતેયના વખાણ કરવામાં આવ્યા એટલું જ નહીં પરંતુ ફટાકડા નહીં ફોડવા બદલ તેમને સ્કૂલ તરફથી પ્રશંસાનાં પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં. 1200 વિદ્યાર્થીઓની સ્કૂલમાં બાકીના તમામ વિદ્યાર્થીઓએ ઊઠ-બેસ કરાવવામાં આવી એટલું જ નહીં પરંતુ ફટાકડા ફોડીને તેમણે કોઈ ગંભીર ગુનો કર્યો હોય એવું તેમને પ્રતિત કરાવવામાં આવ્યું.

બાળકોએ આ વાત તેમનાં માતા-પિતાને કહી અને સ્વાભાવિક રીતે તેમણે આ અંગે સ્કૂલના મેનેજમેન્ટને સવાલ કર્યો. આ મુદ્દે તમામ મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે સ્કૂલ મેનેજમેન્ટે તો તમિલનાડુના શિક્ષણ વિભાગ તેમજ તમિલનાડુ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (ટીએનપીસીબી) દ્વારા મોકલવામાં આવેલા સર્ક્યુલર (પરિપત્ર) અનુસાર પગલાં લીધાં હતાં.

સ્કૂલ મેનેજમેન્ટ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસ પ્રિન્સિપાલ તેમજ શિક્ષકોની પૂછપરછ કરી રહી છે. તેઓ સતત એવું જ કહેતા રહ્યા કે તેમણે તો માત્ર ટીએનપીસીબી-ના પરિપત્રનો શબ્દશઃ અમલ કર્યો છે. સ્ટેટ કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઈલ્ડ રાઈટ્સને પણ આ અંગે ફરિયાદ મળી છે અને તેમણે તપાસ શરૂ કરી છે. કમિશનના એક સભ્યે પ્રિન્સિપાલ તેમજ અસરગ્રસ્ત બાળકો સાથે વાત કરી છે.

પ્રિન્સિપાલનો આક્ષેપ છે કે તેમની સંસ્થાની છબિ ખરાબ કરવા માટે ખોટી ફરિયાદો દાખલ કરવામાં આવી છે, કેમકે ભાજપના હોદ્દેદારોએ આ મુદ્દે શિક્ષણ વિભાગને જાણ કરી છે. જિલ્લાના મુખ્ય શિક્ષણ અધિકારીએ મેટ્રિક્યુલેશન સ્કૂલોના ઈન્સ્પેક્ટરને આ અંગે તપાસ કરવા જણાવ્યું છે. પ્રિન્સિપાલે ટાઈમ્સ ઑફ ઈન્ડિયાને કહ્યું હતું કે તેમણે નાતાલ અને રમજાન દરમિયાન પણ ફટાકડાને કારણે થતા પ્રદૂષણ અંગે પણ જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરીએ છીએ.

ટાઈમ્સના અહેવાલ અનુસાર ફટાકડા ફોડવા બદલ બાળકોમાં અપરાધભાવ જગાવીને તેમને માફી માગવા માટે મજબૂર કરવાના પ્રયાસ પાછળ કોઈ ઈરાદો નહોતો. તમિલ માધ્યમોના અહેવાલના આધારે અમને જાણવા મળ્યું કે બાળકોને ઈરુલિન પિલ્લાઈગલ (અંધકારનાં બાળકો) તરીકે ઓળખાવવામાં આવ્યા હતા જે પ્રથા ખ્રિસ્તી ધર્મપ્રચારકો દ્વારા અમલમાં હતી. ડીએનએ અખબાર સિવાય બાકીનાં તમામ અંગ્રેજી અખબારોએ તેમની સેક્યુલર છાપ જાળવી રાખવાનો પ્રયાસ કરીને માત્ર એવું કહ્યું કે બાળકોને કુદરતની માફી માગવા દબાણ કરવામાં આવ્યું હતું – પરંતુ હકીકત એ હતી કે એ બાળકોને એવું કહેવામાં આવ્યું હતું કે તેમણે પાપ કર્યું છે અને બે હાથ જોડીને તેમજ માથું ઝૂકાવીને ઈશ્વર પાસે માફી માગવી પડશે.

દુરાગ્રહ અને ધિક્કાર અહીં જ અટકતો નથી. ફિઝિકલ એજ્યુકેશનના શિક્ષકો દિવાળી નિમિત્તે મહેંદી કરનારી છોકરીઓને લાકડીથી મારી હતી. અને આવું પહેલી વાર નહોતું થયું. મહેંદી લગાવનાર છોકરીઓને ખ્રિસ્તી શાળાઓમાં અગાઉ પણ અનેક વખત સજા કરવામાં આવી છે. આથી પીટીના ક્લાસમાં વિદ્યાર્થીઓને લેગિંગ્સ નહીં પહેરવા બદલ સજા કરવામાં આવે છે તેવો સ્કૂલ મેનેજમેન્ટનો દાવો સદંતર ખોટો છે કેમકે આ વાતને પ્રિન્સિપાલે પોતે નકારી હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે.

પ્રિન્સિપાલનું કહેવું છે કે તેઓ માત્ર ફટાકડાથી થતા પ્રદૂષણ અંગે જાગૃતિ ફેલાવવા માગતા હતા અને તેઓ ટીએનપીસીબીની સૂચનાનું પાલન કરતા હતા. તેઓ એમ પણ કહે છે કે દિવાળી દરમિયાન મહેંદી અંગે તેમને કોઈ વાંધો નથી, ત્યારે કોઈપણ વ્યક્તિને આશ્ચર્ય થાય કે તો પછી સામાન્ય દિવસોમાં મહેંદી સામે એ લોકોને કેમ વાંધો પડતો હશે? ઉપરાંત વાલીઓએ જ્યારે પૂછ્યું કે શું અન્ય સ્કૂલોને પણ આવો પરિપત્ર મળ્યો છે? અને જો એવું હોય તો અન્ય સ્કૂલોમાં શા માટે કોઈ વિદ્યાર્થીને સજા કરવામાં આવતી નથી?, પરંતુ આ સવાલનો પ્રિન્સિપાલ પાસે કોઈ જવાબ નથી.

સોશિયલ મીડિયામાં એવું જસ્ટિફિકેશન આપવામાં આવી રહ્યું છે કે શિક્ષકોએ તો માત્ર કેમિકલ વાળી મહેંદીનો ઉપયોગ નહીં કરવા વિદ્યાર્થીઓને જણાવ્યું છે. પરંતુ આ વાત સાચી નથી. આવો ભેદભાવ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે. ખ્રિસ્તી શાળાઓમાં હજુ પણ આવું થઈ રહ્યું છે પરંતુ બાળકો સજા થવાના ડરે માત્ર નિયમોનું પાલન કરે છે.

હું એવું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે આવું કરીને આ બાળકો દિવાળીના દિવસોમાં લગાવવામાં આવતી મહેંદી તેમજ સ્કૂલમાં ગયા પછી એકબીજાને પૂછવાના એવા આનંદથી વંચિત રહી જાય છે કે કોની મહેંદીનો રંગ વધારે ઘાટો છે..! પ્રિન્સિપાલના જવાબ ઉપરથી એટલું સમજી શકાય છે કે ટીએનપીસીબીએ જગૃતિ કેળવવાના આશયથી પરિપત્ર મોકલ્યો હોય તો પણ પ્રિન્સિપાલે મામલો વ્યક્તિગત રીતે પોતાના હાથમાં લઈને સજા કરી, બાળકોને જાહેરમાં શરમજનક સ્થિતિમાં મૂક્યાં એટલું જ નહીં પરંતુ એ બાળકોની ધાર્મિક માન્યતાઓને અપમાનિત કરી.

સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા આપવામાં આવેલા કમ્યુનિટી સર્વિસ રજિસ્ટરની નકલો આ રહી. પ્રથમ મહેંદી લગાવનાર વિદ્યાર્થિનીને લાકડી વડે ફટકારીને તેની માનસિક હેરાનગતિ કરવા બદલ પ્રિન્સિપાલ તેમજ ફિઝિકલ એજ્યુકેશન શિક્ષક વિરૂદ્ધની ફરિયાદ છે. બાળકી એ હદે ડરી ગઈ હતી કે તેને ત્યાં જ પેશાબ થઈ ગયો.

પ્રિન્સિપાલ વિરૂદ્ધ બીજી ફરિયાદ ફરિયાદીના પુત્ર તેમજ અન્ય હિન્દુ વિદ્યાર્થીઓને દિવાળી ઉપર ફટાકડા ફોડવા બદલ કરેલી સજા અંગેની છે. The News Minute એ બાળકના પિતાને એમ કહેતા ટાંક્યા છે કે, એ લોકો બાળકોનું ધીમે ધીમે બ્રેઈનવૉશ કરે છે અને તેમને પોતાના જ ધર્મ વિરોધી બનાવી રહ્યા છે. આ ઘટનાને કારણે આવતા વર્ષે મારો પુત્ર ફટાકડા ફોડવાનો ઈનકાર કરશે.

જોકે, સર્વાઈટ મેટ્રિક્યુલેશન એક માત્ર લઘુમતી સ્કૂલ નથી જ્યાં ફટાકડા ફોડીને દિવાળીની પરંપરાગત ઉજવણી કરવાની વિરૂદ્ધ શીખામણા આપવામાં આવતી હોય.

ઈરોડના નમ્બિયુર નજીક સેંટ થેરેસા પ્રાથમિક સ્કૂલના હેડમાસ્ટર તો એક ડગલું આગળ વધીને પોતે પેમ્ફલેટ વહેંચીને હિન્દુઓને ફટાકડા વિનાની દિવાળી ઉજવવા સલાહ આપી રહ્યા છે. આ પેમ્ફલેટમાં જણાવવામાં આવ્યું છે કે ‘ચાલો આપણે ફટાકડા ફોડવાનું ટાળીએ જેનાથી નાણાંનો બગાડ થાય છે અને આરોગ્યને નુકસાન થાય છે તથા તેમાંથી નીકળતા ઝેરી ધૂમાડાને કારણે પર્યાવરણને નુકસાન થાય છે અને વરસાદ ઓછો પડે છે. ચાલો ફટાકડા વિનાની દિવાળી ઉજવીએ.’ આ પેમ્ફલેટમાં હેડમાસ્ટરનો મોબાઈલ નંબર પણ આપવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયાના યુઝર્સને આશા હતી કે તેમની આ ફરિયાદો કોઈ સાંભળે અને સદનસીબે હિન્દુ મુનાનીના ધ્યાનમાં આ વાત આવી અને તેમણે સ્કૂલની બહાર પ્રદર્શન કર્યાં. પરિણામે હેડમાસ્ટરે માફી માગવી પડી અને હિન્દુઓએ સ્કૂલની બહાર ફટાકડા ફોડીને તેની ઉજવણી કરી. સેંટ થેરેસા પ્રાથમિક શાળા સરકારી સહાયથી ચાલતી સ્કૂલ લાગે છે. ચિંતાની વાત એ છે કે હિન્દુઓ દ્વારા જે કરવેરા ચૂકવવામાં આવે છે તેમાંથી લઘુમતી શાળાઓને નાણાંકીય સહાય આપવામાં આવે છે અને એ જ શાળાઓ હિન્દુઓની માન્યતાઓ અને પરંપરાઓ વિરૂદ્ધ પ્રચાર કરે છે. આ સ્કૂલોને માત્ર રાજ્ય સરકાર તરફથી જ નહીં પરંતુ કેન્દ્ર સરકાર તરફથી પણ નાણાકીય સહાય મળે છે જેના આધારે તેઓ તેમની સંસ્થાઓમાં માળખાકીય સુવિધાઓ વિસ્તારતી હોય છે. આ યોજના( scheme )ના કેટલાક ચાવીરૂપ મુદ્દા આ પ્રમાણે છે જે કેન્દ્રીય માનવસ્રોત મંત્રાલય દ્વારા સંચાલિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ઈન માઈનોરિટી ઈન્સ્ટિટ્યૂશન્સ (આઈડીએમઆઈ) હેઠળ આવે છે –

જે શાળાઓ બિન-ખ્રિસ્તીઓ દ્વારા ચૂકવવામાં આવતા કરવેરાની નાણાકીય સહાય ઉપર ચાલે છે અને લઘુમતી સંસ્થાનું પ્રમાણપત્ર મેળવે છે તેઓ ખ્રિસ્તી ધર્મને યથાવત્ રાખે છે અને હવે તેમાં મોટી સંખ્યામાં બિન-ખ્રિસ્તી વિદ્યાર્થીઓને પ્રવેશ આપે છે અને તેમના ઉપર ખ્રિસ્તી માન્યતાઓ લાદે છે. શું એ યોગ્ય છે? ના. એ લોકોએ હવેથી કેવી રીતે કામગીરી કરવી જોઈએ તે વિશે શું આપણે કશું કહી શકીએ છીએ? ના. કમનસીબે લઘુમતી સંસ્થાઓને જે કંઈ કરવું હોય તે માટેની પૂરી સ્વાયત્તતા મળેલી છે. લઘુમતી દરજ્જા સાથેની આ એવી બિલાડી છે જેના ગળે ઘંટ બાંધવો પડશે.

(સ્રોત: https://www.hindupost.in/education/can-children-demonised-celebrating-festivals-per-traditions/)

(લેખનો ગુજરાતી અનુવાદઃ અલકેશ પટેલ દ્વારા)


શું આ લેખ તમને ગમ્યો? અમે બિન નફાકારક સંસ્થા છીએ. ઉદારપણે દાન કરીને અમારા પત્રકારત્વ માટે ચૂકવણી કરવામાં મદદ કરો.