ગૌરક્ષકો દ્વારા પોલીસને માહિતી અપાયા પછી મેવાતીના ગૌતસ્કરોએ પોલીસ ઉપર 60 રાઉન્ડ ગોળીબાર કર્યો

ગૌતસ્કરોને પકડવા રાજસ્થાન-હરિયાણા સરહદ પર પીછો કરી રહેલી પોલીસ ઉપર અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ સાત ગૌતસ્કરોએ પોલીસ ટીમ ઉપર 60 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. આ બનાવ ચાર ઑક્ટોબરને બુધવારે બન્યો હતો તેમ હિન્દી અખબાર દૈનિક ભાસ્કરના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

ફૂલબાગ પોલીસ સ્ટેશનના સબ-ઈન્સ્પેક્ટર રતનલાલના જણાવ્યા અનુસાર સ્થાનિક ગૌરક્ષકોએ પોલીસને માહિતી આપી હતી કે ગૌતસ્કરો ભીવંડીના સેક્ટર 3માં યુઆઈટી નજીક ટ્રકમાં ગાયો ચડાવી રહ્યા છે. પોલીસ સ્થળ ઉપર પહોંચી ત્યારે ગાયોના દાણચોરો ટ્રક લઈને ભાગી છૂટ્યા હતા અને પોલીસે તેમનો પીછો કર્યો હતો.

એ સમયે પોલીસ ટુકડી દ્વારા ક્યુટીઆર (ક્વિક રિસ્પોન્સ ટીમ) બોલાવી લેવામાં આવી હતી. ભીવંડીથી હરિયાણાના રથિવાસ સુધીની આઠથી દસ કિ.મી. સુધી પોલીસે પીછો કર્યો એ દરમિયાન ગૌતસ્કરોએ પોલીસ ઉપર 60 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો, જ્યારે પોલીસે 18 રાઉન્ડ ગોળી છોડી હતી અને એ દરમિયાન તસ્કરોની ટ્રકનું ટાયર વિંધી નાખવામાં પોલીસને સફળતા મળી હતી.

ગૌતસ્કરો દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલી ટ્રક (સૌજન્ય: દૈનિક ભાસ્કર) — PHOTO

 સામાન્ય રીતે ગૌતસ્કરો પાસે દેશી બનાવટની રિવોલ્વર હોય છે જેનો ઉપયોગ કરીને એક સાથે એકથી વધારે રાઉન્ડ ફાયર કરી ન શકાય. આથી પોલીસ ટુકડીને પણ ગૌતસ્કરો દ્વારા કરવામાં આવેલા આવા ફાયરિંગથી આશ્ચર્ય થયું હતું. આ ગૌતસ્કરોના હાથમાં કેવી રીતે આવાં આધુનિક શસ્ત્રો આવ્યાં એ બાબતે પોલીસ હાલ તો ચૂપકીદી સેવી રહી છે – ડ્રાઈવરને બાદ કરતાં તમામ છ ગૌતસ્કરો પોલીસ ટુકડી ઉપર ગોળીબાર કરી રહ્યા હતા.

ટ્રકનું ટાયર પોલીસની ગોળીથી પંચર થઈ ગયેલું હોવા છતાં ડ્ર્રાઈવરે હંકારવાનું ચાલુ રાખ્યું અને રથિવાસ પછી તેણે ટ્રક જંગલના ધૂળિયા રસ્તા પર વાળી દીધી. અને જ્યારે ટ્રક ફસાઈ ગઈ અને આગળ જઈ શકે તેવી સ્થિતિ ન રહી ત્યારે તમામ ગૌતસ્કરો અંધારામાં ભાગી છૂટ્યા હતા. આ ગોળીબારમાં કોઈને ઈજા થઈ નહોતી.

પોલીસે ટ્રક જપ્ત કરી હતી અને તેમાંથી છ ગાયોને બચાવી લઈને ગૌશાળામાં મોકલી આપી હતી. પીક-અપ ટ્રક ચોરીની હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. તમામ સાત શકમંદો મેવાતના હોવાનું મનાય છે.

(સ્રોત: DainikBhaskar.com)

તંત્રીની નોંધ

અમે ગૂગલ મેપ તૈયાર કર્યો છે જેથી વાચકોને દર્શાવી શકાય કે આ ઘટના કયા વિસ્તારમાં બની હતી.

મેવાત એ ઉત્તર ભારતમાં ગાયોની દાણચોરીનું કેન્દ્ર છે – મેવાતની આસપાસના દિલ્હી-એનસીઆર, પશ્ચિમ ઉત્તરપ્રદેશ તથા ઉત્તર રાજસ્થાનના 100 કિ.મી.ના વિસ્તારમાં ગાયોની મોટાપાયે દાણચોરી થાય છે.

નોંધપાત્ર વાત એ છે કે અલ્વરમાં જે પેહલુ ખાનની હત્યાને ડાબેરી-લિબરલોએ #NotInMyName ના નામે દેશવ્યાપી અભિયાન શરૂ કરી દીધું હતું એ પણ મેવાતનો હતો. પેહલુ ખાન એ 15 સભ્યોની ટોળકીનો સભ્ય હતો જેને રાજસ્થાન પોલીસ દ્વારા ગૌતસ્કરોની ટોળી તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી કેમકે આ ટોળી માન્ય દસ્તાવેજો વિના તેમજ પરિવહનની પરવાનગી વિના ગાયોની હેરાફેરી કરતી હતી. પેહલુ ખાન ઉપર અગાઉ પણ ગાયોની દાણચોરીના ત્રણ કેસ દાખલ થયેલા હતા એવી માહિતી રાજસ્થાનના ગૃહપ્રધાને રાજ્ય વિધાનસભામાં આપી હતી. હા, એ વાત અલગ છે કે પેહલુ ખાનને ‘ગોવાળ’ અને ‘ગૌ રક્ષકોના આતંકનો ભોગ બનેલી નિર્દોષ વ્યક્તિ’ તરીકે રજૂ કરવામાં તેની સામેના બધા કેસ ભૂલી જવાયા હતા.

ભીવાડીની ઘટનાએ વધુ એક વખત દર્શાવ્યું કે મેવાતની આસપાસના નગરો અને ગામોમાં જે આતંકનો માહોલ છે એ આતંક આયોજિત, શસ્ત્રસજ્જ એવી ગૌતસ્કરોની ટોળકીને કારણે છે જેમને પોલીસ સહિત કોઈનો ડર નથી. તેના પરથી એ વાત પણ સાબિત થઈ છે કે ગૌરક્ષકોનું જે જૂથ છે તે જાતે કાયદો હાથમાં લેવાને બદલે ગાયોની રક્ષા બાબતે પૂરતી તકેદારી રાખીને તેની જાણ પોલીસને કરી દે છે.

તાજેતરમાં જ એક બ્રિટિશ એનઆરઆઈ મહિલા તથા તેમના મિત્રે ગૌતસ્કરોની ટ્રકને અટકાવવા પ્રયાસ કર્યો ત્યારે તેમના પર ગૌતસ્કરોએ ગોળીબાર કર્યો હતો. આ ScoopWhoop article લેખમાં તાજેતરના એવા તમામ કેસની વિગતો આપવામાં આવી છે જેમાં ભારતમાં વિવિધ સ્થળે ગૌતસ્કરો દ્વારા ગાયોના માલિકોની કાંતો હત્યા કરવામાં આવી હતી અથવા તેમના પર તેમજ પોલીસ પર હુમલા કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત વાચકોએ માત્ર મેવાત નહીં પરંતુ ઉત્તરપ્રદેશ, બંગાળ, આસામ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તમિળનાડુ તેમજ બીજા ઘણા રાજ્યો સહિત ભારતમાં અનેક સ્થળે ગૌતસ્કરોની ટોળકીઓ સરહદપારના લોકો સાથે તેમજ આતંકીઓ સાથે સંપર્કો ધરાવે છે તે અંગેનો ડીઆઈજી ભારતી અરોરાનો આ listen to this interview ઈન્ટર્વ્યુ સાંભળવો જોઈએ.

(આ હિન્દી સમાચારની લિંક અમારી સાથે શેર કરવા બદલ અમે @divyasoti ના આભારી છીએ)

(સ્રોત: http://www.hindupost.in/news/mewati-cattle-smugglers-fire-60-rounds-police-police-tipped-off-gau-rakshaks/)

(લેખનો ગુજરાતી અનુવાદઃ અલકેશ પટેલ દ્વારા)


શું આ લેખ તમને ગમ્યો? અમે બિન નફાકારક સંસ્થા છીએ. ઉદારપણે દાન કરીને અમારા પત્રકારત્વ માટે ચૂકવણી કરવામાં મદદ કરો.